સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ ઘરકામ, ખેતી અને પશુપાલન જેવી જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી હોય છે, જેના કારણે તેઓ ધાર્મિક યાત્રાઓનો લાભ લઈ શકતી નથી. ત્યારે આકોલી ગામના મહિલા સરપંચ ગોમતીબેન ઈશ્વરભાઈ માળીએ ગામની મધ્યમ વર્ગની તેમજ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવવાનો અનોખો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પને સાકાર કરવા 38 જેટલી મહિલાઓને સાથે રાખી સાત દિવસીય ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.20મી નવેમ્બરથી શરૂ થયેલી આ યાત્રામાં મહિલાઓએ હરિદ્વાર, ગોકુળ, મથુરા, વૃંદાવન અને પુષ્કર સહિતનાં અનેક ધાર્મિક સ્થળોએ જઈ દેવદર્શન કર્યા હતા. આ યાત્રાની વિશેષતા એ રહી કે મહિલા સરપંચ ગોમતીબેન પોતે પણ સમગ્ર યાત્રા દરમિયાન મહિલાઓની સાથે રહ્યાં હતાં અને તમામ સમાજની મહિલાઓને સાથે રાખી ધાર્મિક સ્થળોનાં દર્શન કરાવ્યાં હતાં. યાત્રામાંથી પરત ફરેલી મહિલાઓના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.આમ, આકોલી ગામનાં મહિલા સરપંચ ગોમતીબેન માળીની આ અનોખી પહેલ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને ધાર્મિક યાત્રાનો અવસર પૂરો પાડવાની સાથે સામાજિક એકતા અને મહિલા સશક્તિકરણનું પણ ઉત્તમ ઉદાહરણ બની છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો