ધી ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 44મી વાર્ષિક સાધારણ સભાનો ઉત્સાહભેર માહોલમાં પ્રારંભ થયો હતો. આ બેઠકમાં મંડળીના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. સભા દરમિયાન મંડળીના રૂ. 1 કરોડ 80 લાખના વાર્ષિક નફાની જાહેરાત કરવામાં આવી હતી, જે 8 ટકા લેખે પશુપાલકો અને સભાસદો વચ્ચે ફાળવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સાધારણ સભા દરમિયાન હાજર રહેલા પશુપાલકો દ્વારા ડેરી સંચાલન સમક્ષ મહત્વનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. પશુપાલકોએ રજૂઆત કરી હતી કે ડેરી દ્વારા વિતરણ કરવામાં આવતા પશુદાણનો યોગ્ય અને પૂરતો જથ્થો ન મળવાના કારણે તેમને વારંવાર લાઈનોમાં ઊભા રહેવાની નોબત આવે છે. આ સમસ્યાના કારણે પશુપાલકોને સમય અને શ્રામનો વ્યય થાય છે, જેથી પશુદાણ વિતરણની વ્યવસ્થા સુગમ બનાવવાની માંગ કરવામાં આવી હતી. પશુપાલકોની આ રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળીને મંડળીના હોદ્દેદારો અને સંચાલકોએ ખાતરી આપી હતી કે પશુદાણની આ સમસ્યાનું યોગ્ય અને સત્વરે નિરાકરણ લાવવામાં આવશે તેમ મંત્રી પ્રેમાભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું. આ સાધારણ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક પશુપાલકો અને સભાસદો હાજર રહ્યા હતા.
