બનાસકાંઠા જિલ્લાના કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા અંતર્ગત જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે દ્વારા ભીલડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરીને લગતી વિવિધ બાબતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન નોંધાયેલા ગુનાઓના ક્રાઈમ રજિસ્ટર, મુદામાલ રજિસ્ટર તેમજ અન્ય વહીવટી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સાથે જ શસ્ત્ર્રો તથા દારૂગોળાની જાળવણી અને તેની સજ્જતાની પણ ચકાસણી કરવામાં આવી હતી.


આ અવસરે એસ.પી. સુમ્બેએ પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે સંવાદ સાધી તેમની કામગીરી અને સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો, ગામોના આગેવાનો, સરપંચો અને નાગરિકો સાથે કાયદો-વ્યવસ્થા બાબતે ચર્ચા કરી હતી. તેમણે પ્રોહિબિશન કાયદાનો કડક અમલ કરવા, ગુનાખોરીને ડામવા દ્રઢ વલણ અપનાવવા તેમજ અરજદારો સાથે નમ્ર અને સંવેદનશીલ વર્તન રાખવા માર્ગદર્શન આપ્યું હતું.

એસ.પી.એ ટ્રાફ્કિ નિયમો, ખાસ કરીને હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ અંગે જનજાગૃતિ ફેલાવવાની અપીલ કરી હતી. દારૂબંધી અને ડ્રગ્સ જેવા ગેરકાયદે ધંધાઓ સામે જનતાને સચેત રહી પોલીસને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. નિરીક્ષણ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ ભીલડી પોલીસ સ્ટેશનની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને પી.આઈ. ધવલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થતી કામગીરીની સરાહના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એસ.પી. સુમ્બેએ જણાવ્યું હતું કે સરપંચો દ્વારા શાલ ઓઢાઢી સન્માન કરવાની જગ્યાએ હેલ્મેટ દ્વારા સન્માન કરવામાં આવે તો તે હેલ્મેટ જરૂરિયાતમંદોને આપવામાં આવી શકે, જે સમાજ માટે વધુ ઉપયોગી સાબિત થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: