ધાનેરા : દ્વારકા શારદા પીઠના પીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના ધાનેરા ખાતેના આગમનથી સમગ્ર પંથકમાં ભક્તિમય અને ધર્મમય માહોલ સર્જાયો હતો. પૂજ્ય શંકરાચાર્યજી અને તેમના શિષ્યોની પધરામણીથી ધાનેરાવાસીઓએ ભારે ધન્યતા અનુભવી હતી. ધાનેરા રેલ્વે સ્ટેશન નજીક આવેલા ઐતિહાસિક શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પૂજ્ય શંકરાચાર્યજી પધારતાં ભક્તોમાં ઉત્સાહનો ઉમંગ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ સ્વામીજીના દર્શન અને આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ ઉમટી પડયા હતા. નેનાવા ખાતે યોજાયેલા દિવ્ય આશીર્વચન સમારોહમાં વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહી શંકરાચાર્યજીની વાણી અને દિવ્ય આશીર્વાદનો લાભ લીધો હતો.
