થરા નગરપાલિકામાં મંગળવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 32(1) અને નિયમ 3-4 હેઠળ જિલ્લા કલેક્ટર દ્વારા બોલાવવામાં આવેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 4ના મહિલા સદસ્ય ડૉ અશ્વિનીબેન કિરીટભાઈ ઠક્કરની થરા નગરપાલિકાના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ પદે જશીબેન સેમાભાઈ પટેલની વરણી કરાઈ હતી. આજે સવારે 11:00 કલાકે થરા નગરપાલિકા કચેરીના મીટિંગ હોલમાં ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. સભામાં ઇન્ચાર્જ ચીફ્ ઓફ્સિર જીગ્નેશ બારોટ સહિત ચૂંટાયેલા સદસ્યોની ઉપસ્થિતીમાં પ્રાંત અધિકારી દ્વારા ચૂંટણી એજન્ડા અંગે ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોની એજન્ડા ફોર્મ પર સહી દ્વારા સંમતિ લેવામાં આવી હતી. ત્યારબાદ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં થરા નગરપાલિકાના પ્રમુખ તરીકે અશ્વિનીબેન કિરીટકુમાર ઠક્કર, ઉપપ્રમુખ પદે જશીબેન સેમાભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે ધવલકુમાર મંગળદાસ ઝવેરી પક્ષના નેતા તરીકે વિક્રમસિંહ બેચરસિંહ વાઘેલા તેમજ દંડક તરીકે વિજયકુમાર પરબતજી ઠાકોરની ભાજપના નગરપાલિકામાં ચૂંટાયેલા 19 સદસ્યોએ હાથ ઊંચા કરી સંમતિ આપ્યા બાદ પાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. થરા નગરપાલિકાની 24 બેઠકો પૈકી ભાજપને 19 તેમજ કોંગ્રેસને 5 બેઠકો મળતા ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી આજે યોજાયેલી પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવનિયુક્ત પ્રમુખ ડૉ અશ્વિનીબેન ઠક્કરને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પુથ્વીરાજસિંહ વાઘેલા તેમજ થરા નગરના અગ્રણી કિરીટભાઈ ઠક્કર અને ઉપસ્થિત કોર્પોરેટરો તેમજ અગ્રણીઓએ ફ્ટાકડા ફોડી તથા મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
