બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા પાસે રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના મસમોટા નેટવર્કનો સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે પર્દાફાશ કર્યો છે.દાંતીવાડા પંથકમાં દારૂની હેરાફેરી રોકવા ગયેલી SMCની ટીમ પર બુટલેગરોએ જીવલેણ હુમલો કરી પોલીસ જવાનો અને પંચો પર ગાડી ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ફ્લ્મિી ઢબે થયેલા પીછા બાદ લાખો રૂપિયાના દારૂ ભરેલી ત્રણ ગાડીઓ દાંતીવાડા લાવવામાં આવી છે, જ્યારે પાંચ ગાડીઓ રાજસ્થાન પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. 

ઘટનાની વિગતો મુજબ, રાજસ્થાનના મેથીપુરા બોર્ડર તરફ્થી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને 8 જેટલી ગાડીઓ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઠાલવવા માટે આવી રહી હોવાની બાતમી SMCની ટીમને મળી હતી. જેના આધારે ટીમે દાંતીવાડાના મારવાડા અને ડેરી ગામ નજીક વોચ ગોઠવી હતી. પોલીસ ટીમનેજોઈને બુટલેગરોએ પોતાના વાહનો પૂરઝડપે ભગાવ્યા હતા. આ દારૂની લાઇનની ગાડીઓનું પાયલોટિંગ કરી રહેલી કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડીના ચાલક ગુલાબસિંહ ઉર્ફે વાસુ વાઘેલા અને અન્ય એક નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર ગાડીના ચાલકે પોલીસની સરકારી ક્રેટા ગાડીને જોરદાર ટક્કર મારી નુકસાન પહોંચાડયું હતું. એટલું જ નહીં, પોલીસ જવાનો અને પંચોને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના પર ગાડી ચડાવવાનો પણ પ્રયાસ કરાયો હતો. આ નાસભાગ દરમિયાન રસ્તા પર ઊભેલી એક ગાયને પણ અડફેટે લેતા ગાયને ગંભીર ઈજાઓ પહોંચી હતી.પોલીસ પર હુમલો કર્યા બાદ તમામ 8 ગાડીઓ રાજસ્થાનના મેથીપુરા તરફ્ પરત ભાગી છૂટી હતી.SMCની ટીમે હિંમતભેર પીછો ચાલુ રાખ્યો હતો. અંતે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી 3 ગાડીઓ SMCની ટીમે કબજે કરી દાંતીવાડા પોલીસ મથકે લાવી હતી, જ્યારે બાકીની 5 ગાડીઓ રાજસ્થાન પોલીસે ઝડપી પાડી હતી. 

આ સમગ્ર મામલે SMCના ASI મયુરકુમાર કોરડિયાએ દાંતીવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પાયલોટિંગ કરનાર ગુલાબસિંહ ઉર્ફે વાસુ વાઘેલા, પ્રદીપ મેવાડા સહિત અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109(1) (હત્યાનો પ્રયાસ), 111(2)(B) (સંગઠિત ગુનાખોરી), 281 (બેદરકારીપૂર્વક વાહન ચલાવવું) તેમજ પ્રોહિબિશન એક્ટ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબહાલમાં બનાસકાંઠા રેન્જ આઈ.જી., જિલ્લા પોલીસ વડા (SP) અનેદાંતીવાડાના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) રજા પર હોવાના સમયે જ બુટલેગરોએ આ પ્રકારે બેફામ બની કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો છે. મેથીપુરા બોર્ડરથી સતત થતી દારૂની હેરાફેરીના આ નેટવર્કમાં આગામી પોલીસ તપાસ દરમિયાન અન્ય મોટા માથાઓ નામો ખુલે તેવી પૂરી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો