થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી ચુડમેર પુલ નજીકથી એક યુવક અને યુવતીના મૃતદેહો તરતા હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. કેનાલમાં મૃતદેહો હોવાની જાણ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને થતા વિરમજી સહિત ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

થરાદની મુખ્ય કેનાલમાંથી બહાર કાઢેલા યુવક યુવતીના મૃતદેહોની પ્રાથમિક તપાસ કરતા તેમની પાસેથી કોઈ જ ઓળખના પુરાવા મળી આવ્યા ન હતા. જેથી તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવક રાજસ્થાનનો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવતા તેના વાલી-વારસોનો સંપર્ક સાધ્યો હતો.આ બનાવનું સૌથી મોટું રહસ્ય એ છે કે, યુવક અને યુવતીના હાથ કપડાંથી એકબીજા સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેના કારણે આ ઘટના અંગે અનેક પ્રકારની શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયા છે અને આ મામલો આપઘાતનો છે કે અન્ય કોઈ અઘટિત ઘટના, તે અંગે યુવકના વાલીવારસોની પૂછપરછ બાદ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે યુવક યુવતીના હાથ એકબીજા સાથે બાંધેલી હાલતમાં હોવાથી પ્રેમ પ્રકરણ હોવાનું લોકોએ અનુમાન લગાવ્યું હતું.