કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે તાવની ફરિયાદ બાદ મૃત્યુ પામેલા 9 વર્ષીય બાળકના ધારપુર મેડિકલ કોલેજ દ્વારા લેવામાં આવેલા સેમ્પલનો મોલેક્યુલર ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર થયો છે. રિપોર્ટ મુજબ બાળકમાં ચાંદીપુરા વાયરસ મળી આવ્યો નથી, એટલે કે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
મળતી માહિતી મુજબ, થરેચાવાસમાં સિદ્ધરાજ નામના બાળકને તારીખ 2 ઓગસ્ટે તાવ સહિતની તબિયત બગડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તે જ દિવસે ધારપુર મેડિકલ હોસ્પિટલ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યો હતો, જે 4 ઓગસ્ટે લેબોરેટરીમાં પહોંચ્યો હતો. લેબ દ્વારા સેમ્પલ યોગ્ય સ્થિતિમાં પ્રાપ્ત થયાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
મોલેક્યુલર ટેસ્ટિંગ દરમિયાન માત્ર ચાંદીપુરા વાયરસની તપાસમાં પરિણામ મળ્યો નથી નોંધાયું છે. જ્યારે ઇન્ફ્લુએન્ઝા-A,ઝિકા વાયરસ, ડેન્ગ્યુ વાયરસ, એન્ટેરો વાયરસ, જાપાનીઝ એન્સેફેલાઇટિસ વાયરસ (JEV), ચિકનગુનિયા વાયરસ, સ્ક્રબ ટાયફ્સ (રિકેટિ્સયા) તેમજ ટેટ્રાપાર્વો વાયરસ સહિતના અન્ય સંભવિત ચેપોની વધુ તપાસ રિપોર્ટ દ્વારા થઇ શકે છે. આ રિપોર્ટ બાદ બાળકનું મૃત્યુ ચાંદીપુરા વાયરસના કારણે થયું હોવાનું પ્રાથમિક રીતે સમર્થન મળતું નથી. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે અન્ય તબીબી તપાસ અને નિષ્ણાતોના અંતિમ અભિપ્રાયની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે સાવચેતી રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો