આગામી ઓક્ટોબર માસમાં યોજાનારી થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાની સાથે જ થરા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. સત્તા કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના હોદ્દેદારો અને કાર્યકરો અત્યારથી જ સક્રિય થઈ ગયા છે.
થરા નગરપાલિકાના ગત ઈતિહાસ પર નજર કરીએ તો ગત ટર્મમાં કુલ 24 બેઠકોમાંથી ભાજપે 20 બેઠકો પર ભવ્ય વિજય મેળવી સત્તા કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 4 બેઠકોથી સંતોષ માનવો પડયો હતો. આ વખતે પણ સત્તા ટકાવી રાખવા ભાજપે અત્યારથી જ તડજોડની રાજનીતિ શરૂ કરી દીધી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિન નિમિત્તે સમગ્ર ગુજરાતમાં સેવા પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે, ત્યારે થરામાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભરતીમેળા જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના મજબૂત ગણાતા કાર્યકર, પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશ શાહે ગુરુવારે મોદીના જન્મદિને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, વેપારી અગ્રણી અને જિલ્લા ભાજપ કારોબારી સભ્ય હર્ષદ શાહ તેમજ એપીએમસીના વાઇસ ચેરમેન કિરીટ ઠક્કર ઉપસ્થિતિમાં કેસરિયો ધારણ કર્યો હતો.
