બનાસકાંઠા જિલ્લામાં હાઇવેના વિકાસ કાર્યોને અવરોધતા તત્વો સામે સરકારી તંત્રએ આકરી લાલ આંખ કરી છે. ધાનેરા હાઇવે પર ગેરકાયદેસર રીતે અડિંગો જમાવીને બેઠેલા દબાણકારો સામે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખૂબ જ કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે. હાઇવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઇવે 168-A પર નડતરરૂપ બનતા આશરે ૩૦૦ જેટલા નાના-મોટા દબાણકારોને આખરી નોટિસ ફટકારી દેવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


 5 દિવસની અંદર સ્વૈચ્છિક રીતે હટાવી દો

તંત્ર દ્વારા તમામ દબાણકારોને પોતાના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો આગામી 5 દિવસની અંદર સ્વૈચ્છિક રીતે હટાવી લેવા માટે આખરી સમયમર્યાદા આપવામાં આવી છે. જો આ 5 દિવસની સમયમર્યાદા વીત્યા બાદ પણ હાઇવેની સરકારી જમીન પરથી દબાણો યથાવત રહેશે, તો તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જેસીબી અને બુલડોઝરની મદદથી કડક કાનૂની કાર્યવાહી કરીને તમામ દબાણો તોડી પાડવામાં આવશે. આ કામગીરીનો તમામ ખર્ચ પણ દબાણકારો પાસેથી જ વસૂલવામાં આવી શકે છે.

ઝેરડાથી લઈને થાવર સુધીના ફોરલેન હાઇવેની મંજૂરી

મળતી માહિતી મુજબ, બનાસકાંઠામાં ઝેરડાથી લઈને થાવર સુધીના ફોરલેન હાઇવેની મંજૂરી મળી ગઈ છે. આ કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવા અને ફોરલેન હાઇવેના મહત્વકાંક્ષી કામને સુપરફાસ્ટ ગતિ આપવા માટે હાઇવે ઓથોરિટી અત્યારે ફુલ એક્શન મોડમાં આવી ગઈ છે. વાહનચાલકોની સુવિધા અને ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે હાઇવેની કિંમતી જમીન વહેલી તકે ખુલ્લી કરાવવા તંત્રએ યુદ્ધના ધોરણે કવાયત શરૂ કરી દીધી છે.


આ પણ વાંચો----     Gujarat Latest News Live : બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો છવાયા

  • Follow us on: