એક તરફ્ રાજ્ય સરકાર શિક્ષણના સ્તરને ઊંચું લાવવા અને શાળાઓને આધુનિક બનાવવાની મોટાપાયે વાતો કરી રહી છે, ત્યારે વાવ-થરાદ પંથકમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી અને તંત્રની પોલ ખોલતી ગંભીર તસવીરો સામે આવી છે. ધરણીધર તાલુકા મથકે આવેલ ઢીમા ગામની શ્રી સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા માસૂમ બાળકો આજે જીવન જોખમે ભણવા મજબૂર બન્યા છે.

આ શાળામાં ચોમાસાની સિઝન તો ઠીક, પરંતુ સામાન્ય વરસાદમાં પણ શાળા પરિસરમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે. પરિણામે આખી શાળા એક તળાવ જેવી બની જાય છે. આ કોઈ એક વર્ષની વાત નથી, પરંતુ વર્ષ 2015થી એટલે કે છેલ્લા 11 વર્ષથી આ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ નર્કાગાર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વર્ષો વીતી ગયા, ધારાસભ્યો અને અધિકારીઓ આવ્યા અને ગયા, પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર દ્વારા કોઈ જ ગંભીર કામગીરી કરવામાં આવી નથી.

શાળાના ભૂલકાઓ ગંદા અને પ્રદૂષિત પાણીની વચ્ચેથી પસાર થઈને પોતાના વર્ગખંડમાં જવા મજબૂર છે. નાના બાળકો માટે આ પાણીમાં પડી જવાનો કે ઇજાગ્રસ્ત થવાનો સતત ડર રહે છે, જેને લઈને વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ મોકલતી વખતે ભારે ચિંતા અનુભવે છે. શાળાના સ્ટાફ્, વાલીઓ અને ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો