બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સાથે સરકાર દ્વારા સતત ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે ભારતીય કિસાન સંઘે સરકાર સામે વ્યાપક આંદોલન છેડવાની જાહેરાત કરી છે. પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે ભારતીય કિસાન સંઘના સભ્યો અને સ્થાનિક ખેડૂતોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ પડતર માંગણીઓ અને ખેડૂત વિરોધી નીતિઓ સામે રણનીતિ ઘડીને આંદોલન કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.
બનાસકાંઠા જિલ્લો બટાકાના ઉત્પાદનમાં અગ્રેસર હોવા છતાં ખેડૂતોને બટાકા સબસિડીના વ્યાજબી લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત મગફળી બિયારણ ખરીદી સબસિડી યોજનામાં પણ જિલ્લાના ખેડૂતોને બાકાત રાખીને અન્યાય કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટપક અને ફુવારા પિયત પદ્ધતિમાં 70થી 90 ટકા સબસિડીની માંગણી સાથે 15 વર્ષ જૂના ટ્રેક્ટર રિન્યુઅલ માટે અંદાજે રૂા.50 હજાર જેટલા થતાં દંડકીય ખર્ચ સામે પણ ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. ભારતીય કિસાન સંઘના આગેવાન માવજીભાઈ લોહે જણાવ્યું હતું કે લાંબા સમયથી ખેડૂતોની ન્યાયિક માંગણીઓ અંગે રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ સકારાત્મક પગલાં લેવાયા નથી. જેથી આગામી એક માસની અંદર બનાસકાંઠા જિલ્લાના 10 હજારથી વધુ ખેડૂતો એકઠા થઈને સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અપાઈ છે.
