વાવ-થરાદ જિલ્લાના નવરચિત રાહ તાલુકા ખાતે દેશના 80માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી કરી હતી. આ પ્રસંગે તેમણે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર નામી-અનામી સ્વાતંર્ત્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરી તેમને નમન કર્યું હતું. સાથે જ દેશની સરહદોની સુરક્ષા કરતા જવાનો, ખેડૂતો, પશુપાલકો, માતાઓ-બહેનો અને યુવાનોના રાષ્ટ્ર નિર્માણમાં રહેલા અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વતંત્રતા આપણને વારસામાં મળી છે, પરંતુ વિકસિત ભારતનું નિર્માણ કરવાની જવાબદારી આપણી પેઢીની છે. છેલ્લા અઢી દાયકામાં ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. પાણી, વીજળી અને રસ્તા માત્ર સુવિધાઓ નથી, પરંતુ વિકાસની પાયાની શરતો છે. નર્મદા કેનાલ, સુજલામ સુફ્લામ યોજના, જ્યોતિગ્રામ યોજના અને વિવિધ માળખાકીય વિકાસ કાર્યોએ ઉત્તર ગુજરાત તથા સરહદી વિસ્તારોના સામાજિક અને આર્થિક જીવનમાં મોટું પરિવર્તન લાવ્યું છે. નડાબેટ ખાતેનો સીમા દર્શન પ્રોજેક્ટ માત્ર પ્રવાસન સ્થળ નહીં, પરંતુ રાષ્ટ્રભક્તિ જગાડતું જીવંત કેન્દ્ર બન્યો છે. ભારતમાલા પ્રોજેક્ટના આધુનિક હાઈવે નેટવર્ક, નાણી ખાતે આકાર લઈ રહેલા એરફેર્સ બેઝ અને એરપોર્ટ તેમજ માર્ગ, પાણી અને અન્ય માળખાકીય સુવિધાઓના વિકાસથી સમગ્ર સરહદી વિસ્તારમાં કનેક્ટિવિટી, આર્થિક પ્રવૃત્તિ અને સ્થાનિક રોજગારીની નવી તકો ઊભી થશે. રાહ મુકામે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં શ્રોષ્ઠ અને પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતન અને સંવર્ધનનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ રત્નીબેન પરમાર, જિલ્લા કલેકટર મયુર મહેતા, જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, જિલ્લા પ્રમુખ નરેશજી ઠાકોર સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો અને મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
