શિહોરીઃ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામે શનિવારે સાંજે વરસેલા ભારે વરસાદ દરમિયાન આકાશી વીજળીનો કહેર જોવા મળ્યો હતો. ગામના પશુપાલક ખેડૂત વેલુભા રણછોડભા વાઘેલાની ખીલે બાંધેલી બે ભેંસ પર કડાકાભેર આકાશી વીજળી પડતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાથી ખેડૂત પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. વેલુભા વાઘેલાનો પરિવાર મુખ્યત્વે પશુપાલન અને ડેરી વ્યવસાય પર નિર્ભર છે. દૂધ વેચાણથી મળતી આવક પરિવારની આજીવિકાનું મુખ્ય સાધન હોવાથી બે ભેંસના અચાનક મોતથી પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે સરપંચે સ્થાનિક વહીવટી તંત્રને ઘટનાની જાણ કરી હતી. સરપંચે પશુ ચિકિત્સક અને તલાટીનો સંપર્ક કરી સ્થળ પર બોલાવી જરૂરી પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરાવી હતી. સાથે જ સરકાર તરફ્થી પશુપાલક ખેડૂતને યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
