થરા તાણા વિભાગ શરાફી મંડળીના મેનેજર તરુણભાઈ ઠક્કર ગત 10મી ઓક્ટોબરની રાત્રે પાટણ ખાતેના તેમના ઘેરથી ગુમ થયા બાદ તેમના નાનાભાઈ રાજુભાઈ દ્વારા પાટણ પોલીસ સ્ટેશને પોતાના મોટાભાઈની ગુમશુદાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ હજુ સુધી મંડળીના મેનેજરનો કોઈ પત્તો લાગ્યો નથી, ત્યારે હવે મંડળીના મેનેજર થરા-પાટણ અવરજવર માટે વાપરતા તે ગાડીમાંથી મળી આવેલા મંડળીના ચોપડા-રેકર્ડ મંડળીના બોર્ડ ઓફ્ ડિરેક્ટર તેમજ ચેરમેન અરવિંદભાઈ ઠક્કર લાટીને આપવા જતાં તેમણે બેંકનું મટીરીયલ્સ લેવાની ના પાડતા મેનેજરના કુટુંબ દ્વારા થરા પોલીસ સ્ટેશનમાં કાગળિયા ન સ્વીકારવા બાબતે ચેરમેન વિરુદ્ધમાં અરજી કરાઈ હતી ત્યારબાદ તે અંગે હવે થરા પોલીસ સ્ટેશન ખાતે મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મંડળીના મેનેજર તરુણભાઈ ઠક્કરની ગાડીમાંથી તેમના કુટુંબીઓને મળેલા ચોપડા, ચાવીનો ઝુમખો તેમજ બેંકની અન્ય ચીજવસ્તુઓનો કબજો મંડળીના બે ડિરેક્ટર, બે કર્મચારી તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં થરા પોલીસ સ્ટેશને પંચનામું કરી સ્વીકારવામાં આવ્યા છે પંચનામા મુજબ કુલ ત્રણ થેલા ભરીને વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રથમ થેલામાં CPU, મોનિટર, પેન ડ્રાઈવ, ડોંગલ, માઉસ, કીબોર્ડ અને માઉથ પેપર, જ્યારે સિગ્નેચર લખેલા બીજા થેલામાં 18/6/2024 થી 6/6/2026 સુધીના હિસાબના ચોપડા નંગ 4 તેમજ 31/7/2017 થી 31/8/2023 સુધીની ઠરાવ બુક નંગ ત્રણ અને એફ્ડી લોનની 101 નંબર સુધીની ખાતાવહી તેમજ એફ્ડીની રસીદો અને1/4/2014 થી એફ્ડી લોનની ખાતાવહી તથા તા. 31/3/2015 સુધીની એફ્ડીની રસીદો તેમજ અન્ય છૂટક કાગળો ભરેલી સાગર લક્ષ્મીની થેલીનો સમાવેશ થાય છે. તેમજ તારીખ 1/4/2001 થી 31/6/2002 ઓડિટ રિપોર્ટનું બંચ, વધુમાં 1/4/1999 થી 31/6/2025 મળીને કુલ 17 વર્ષના ઓડિટ રિપોર્ટનું બંચ અને સિગ્નેચર લખેલો થેલો, જ્યારે ત્રીજા થેલામાં એપ્રિલ 2023 થી ઓક્ટોબર 2023 મળીને કુલ સાત મહિનાની સાત જેટલી વાઉચર ફાઈલો જમા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે હવે મંડળીના એફ્ડી ધારકો, સભાસદો તેમજ ગ્રાહકો થરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ દિવસથી મોટી સંખ્યામાં એકત્રિત થઈ મંડળીમાં થયેલી સંભવિત ઉચાપતની તપાસ કરી, મેનેજરના ગુમ થવા અંગેનું કારણ જાણી તેમની શોધ કરી, મંડળીમાં પડેલા ગ્રાહકોના કરોડો રૂપિયા તેમને પાછા મળે તેવી માગણી સાથે પોલીસ સ્ટેશન આગળ એકઠા થયા હતા. ત્યારબાદ ચોપડા સ્વીકારી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની પોલીસ દ્વારા ગ્રાહકોને ધરપત આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો