બનાસકાંઠા જિલ્લા માટે જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં ચોમાસાની ઋતુનું નવું પાણી વહી આવતા સમગ્ર પંથકના લોકો, ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા બે દિવસથી સરહદીય રાજસ્થાન ક્ષેત્ર તેમજ બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં નોંધપાત્ર અને સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પહાડી વિસ્તારો અને ઉપરવાસમાં પડેલા સતત વરસાદના લીધે અમીરગઢ નજીકથી ગુજરાતમાં પ્રવેશતી બનાસ નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે.રાજસ્થાનમાંથી વહીને આવતી બનાસ નદી અમીરગઢ તાલુકાના છેવાડાના ગામ આવલની સીમમાંથી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે છે. આવલ ગામની સીમમાંથી પ્રવેશતા જ બનાસ નદીના સુકાભઠ પટમાં પાણીનું વહેણ શરૂ થતાં જ નદી બે કાંઠે ખીલી ઉઠી છે. નદીના પટમાંથી પાણી આવ્યાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો નવા નીર વધાવવા અને દર્શન કરવા નદી કિનારે ઉમટી પડયા હતા. નદીમાં નીર આવવાથી સ્થાનિક વિસ્તારમાં ભુર્ગભ જળસ્તર ઉંચા આવશે તેમજ આગામી સમયમાં પીવાના અને ખેતી માટેના પાણીની સમસ્યામાં મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો