બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના ભાટવર વાસ ગ્રામ પંચાયતમાં 'સરપંચ પતિ'ના વહીવટ સામે જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ લાલ આંખ કરી છે. ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શારદાબેન આચાર્યને પદ પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કરવામાં આવતા પંચાયતી આલમમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના અંતે શારદાબેન આચાર્ય સામે ગંભીર ક્ષતિઓ નોંધી છે.

પતિની દખલગીરી

ગ્રામ પંચાયતના સત્તાવાર વહીવટમાં મહિલા સરપંચના પતિ સીધી દખલગીરી કરતા હોવાનું તપાસમાં સાબિત થયું હતું. ગૌચર દબાણ મામલે શંકાસ્પદ ભૂમિકા: ગામની ગૌચર જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટેનો ઠરાવ રદ કરવાનો ગંભીર આરોપ સરપંચ પર મૂકાયો છે.

અધિકારીઓને સંતોષકારક જવાબનો અભાવ

તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો કે નોટિસનો યોગ્ય જવાબ આપવામાં મહિલા સરપંચ નિષ્ફળ રહ્યા હતા. વહીવટી નિષ્ફળતા: સરપંચ તરીકેની બંધારણીય જવાબદારી નિભાવવાને બદલે સત્તાનું સુકાન પતિના હાથમાં હોવાનું સાબિત થતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

'સરપંચ પતિ' સંસ્કૃતિ પર જોરદાર પ્રહાર

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મહિલા અનામત હેઠળ ચૂંટાયેલા મહિલા સરપંચના બદલે તેમના પતિ વહીવટ કરતા હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે. ભાટવર વાસનો આ કિસ્સો આવી પ્રથા સામે લાલબત્તી સમાન છે. DDOના આ હુકમથી એ સ્પષ્ટ સંદેશ ગયો છે કે જો મહિલા સરપંચ પોતાની સત્તાનો ઉપયોગ કરવાને બદલે પતિ કે અન્ય સગાને વહીવટ સોંપશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી પદભ્રષ્ટ કરવામાં આવશે. હાલમાં ભાટવર વાસ ગ્રામ પંચાયતનો ચાર્જ અન્યને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો