ધાનેરા તાલુકાના જીવાણા ગામ ખાતે આવેલી દૂધ મંડળીની સાધારણ સભા દરમિયાન અચાનક ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. સભા દરમિયાન કોઈ બાબતે વિવાદ સર્જાતાં વાતાવરણ તંગ બન્યું હતું અને મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો. મળતી માહિતી મુજબ, જીવાણા ગામની દૂધ મંડળી ખાતે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સભાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન પ્રમુખ ની વરણી ના મુદ્દા પર ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં હોબાળો મચી ગયો હતો અને કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ હતી. ઘટનાના પગલે સભાસ્થળે થોડા સમય માટે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સભા દરમિયાન ઘર્ષણ અને મારામારીના દ્રશ્યો કેમેરામાં 7 કેદ થયા છે. વિડીયો વાયરલ થતાં જ જીવાણા સહિત સમગ્ર ધાનેરા પંથકમાં આ ઘટના અંગે ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ કાફ્લો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મારામારી પાછળનું ચોક્કસ કારણ કે કયા મુદ્દે વિવાદ સર્જાયો હતો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો સામે આવી નથી. પોલીસે વાયરલ વિડીયો અને પ્રત્યક્ષદર્શીઓના આધારે ઘટનાક્રમ તેમજ સંડોવાયેલા લોકો સામે તપાસ તેજ કરી છે.જોકે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી તથા પોલીસે સમાધાન બન્ને પક્ષ વચ્ચે કરાવી ગામની શાંતિ જળવાઈ રહે તેવી સરાહનીય કામગીરી કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો