સમગ્ર રાજ્યની સાથે વાવ - થરાદ જિલ્લામાં પણ વરસાદે જોર પકડયું છે. જિલ્લા કલેકટર મયુર મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વરસાદને પગલે કોઈ જાનહાનિ ના થાય તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ, વાવ-થરાદ દ્વારા સમગ્ર જિલ્લામાં માર્ગ વ્યવહાર સુરક્ષિત અને સુચારુ રહે તે માટે આગોતરું આયોજન કરી અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગ દ્વારા જરૂરી મશીનરી, વાહનો અને ટેકનિકલ સ્ટાફ સાથે કુલ ઇમરજન્સી ટીમો સતત કામગીરી માટે તૈનાત રાખવામાં આવી છે, જેથી માર્ગો પર સર્જાતી કોઈપણ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવી શકાય.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રેલ નદીમાં પાણીનો પ્રવાહ વધતાં આગથળા-ધુણસોલ-ધાનેરા માર્ગ પર આવેલા ડાયવર્ઝનને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગની ઇમરજન્સી ટીમ સ્થળ પર પહોંચી જરૂરી મશીનરીની મદદથી તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરી હતી. પરિણામે ડાયવર્ઝનને સુરક્ષિત બનાવી ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સમગ્ર જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નુકસાનગ્રસ્ત માર્ગોને ત્વરિત મોટરેબલ બનાવવા માટે જિલ્લા કક્ષાનો નિયંત્રણ કક્ષ કાર્યરત કરવામાં આવ્યો છે. ઉપરાંત કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવા માટે વિભાગની ઇમરજન્સી ટીમો સતત સજ્જ રાખવામાં આવી છે. જનતાની સલામતી અને માર્ગ વ્યવહાર સુચારુ રહે તે માટે વિભાગ દ્વારા સતત સતર્કતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે.
