ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના બનાસકાંઠા પ્રવાસ અને મહત્વના કાર્યક્રમ પૂર્વે જ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક ડખો જાહેરમાં આવ્યો છે. આજે યોજાયેલી કારોબારી બેઠકમાં આગેવાનોની પાંખી હાજરીએ પાર્ટીની ચિંતામાં વધારો કર્યો છે.
નિમણૂક મુદ્દે કાર્યકરોમાં અસંતોષ
વિવાદનું મુખ્ય કારણ કૌશલ પટેલની નિમણૂક હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાલનપુર શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કર્યો છે. તેમનો દાવો છે કે, કૌશલ પટેલની નિમણૂકને લઈને પાયાના કાર્યકરોમાં ભારે અસંતોષ છે અને આ જ કારણસર આજની મહત્વની વિસ્તૃત કારોબારી બેઠકમાં ખૂબ ઓછી હાજરી જોવા મળી હતી. જિલ્લા અને પ્રદેશ સ્તરે આ વિવાદનો ઉકેલ લાવવા કોઈ ગંભીર પ્રયાસો ન થતા કાર્યકરો હવે લડાયક મૂડમાં છે.
