સુપ્રસિદ્ધ યાત્રાધામ પેપળુ નકળંગ ધામ ખાતે મહંત પૂજ્ય બ્રહ્મલીન બાબુ પુરીજી ગુરુ જાલમપૂરીજીની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાત્રિના સમયે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો ઉમટી પડયા હતા. પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે નકળંગ ધામના વર્તમાન મહંત પૂજ્ય હરદેવપૂરી ગુરુ બાબુપુરી હજી તથા મઠના કારભારી દર્શનપૂરીની સીધી નિગરાની હેઠળ બુધવારના રોજ સંતો-મહંતો માટે મહાપ્રસાદ અને ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું.આ ધાર્મિક અવસરે તરભ વાળીનાથ ના મહંત પૂજ્ય જયરામ ગિરી બાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. ઉપરાંત ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈ, જૂના નેસડા જિલ્લા પંચાયત સભ્ય નરસિંહ દેસાઈ સહિત પંથકના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સાધુ-સંતોએ હાજરી આપી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ સુવર્ણ પ્રસંગે ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ આપવાના ઉદ્દેશ્યથી નકળંગ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે મઠના કારભારી મહંત 1008 દર્શનપૂરી મહારાજ ની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી, જેને તમામ સંતો અને હરિભક્તોએ સહર્ષ વધાવી લીધી હતી. આ ઉપરાંત રાત્રિના સમયે હાઈસ્કૂલ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં સાહિત્યકાર વાઘજી બારોટ, ભજનીક બિરજુ બારોટ, સ્થાનિક કલાકારો સંજય નાંણી, રાજન કાપરા, પ્રવીણ બલોધર સહિત નામી અનામી કલાકારોએ હાજરી આપી સંતવાણી કાર્યક્રમમાં ભજનની રમઝટ બોલાવી હતી.
