બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના ખેમાણાથી ડીસાના ભીલડી વચ્ચે આકાર લઈ રહેલા સૂચિત નવા બાયપાસ માર્ગને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. NH-27ના રાધનપુર-ડીસા-સ્વરૂપગંજ સેક્શનનું અલાઈન્મેન્ટ હાલમાં આખરી કરવાની પ્રક્રિયામાં હોવાનું જાણવા મળે છે. NHAI
અને DPR કન્સલ્ટન્ટ દ્વારા ચોક્કસ સર્વે નંબરો નક્કી કરવાની કામગીરી ચાલી રહી છે. પાલનપુર અને ડીસા તાલુકાના 26 ગામોમાં બિનખેતીની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા હાથ ધરાયેલી જમીન સંપાદનની પ્રાથમિક પ્રક્રિયાને પગલે ખેડૂતો પોતાની મહામૂલી ખેતીની જમીન અને રોજીરોટી ગુમાવવાની ભીતિથી ચિંતિત બન્યા છે. મળતી માહિતી મુજબ, સૂચિત બાયપાસ માર્ગ માટે પાલનપુર અને ડીસા તાલુકાના આશરે 26 ગામોની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટ માટે આશરે 186 મીટર જેટલી પહોળાઈમાં જમીન લેવામાં આવનાર હોવાથી મોટી માત્રામાં ફ્ળદ્રુપ ખેતીની જમીન માર્ગમાં આવી શકે છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા સાથે સરકારની કામગીરી સામે વિરોધની લાગણી વધુ પ્રબળ બની છે. આ મુદ્દે ડીસા તાલુકાના વડાવળ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા.
