ઓગડ તાલુકાના નાના જામપુર ગામને જોડતા લીલાપુરા ગામડીના કાચા માર્ગ પર તાજેતરના વરસાદ બાદ પાણી ભરાઈ જતાં શાળાએ જતા બાળકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે. રોજિંદા ધોરણે આશરે 25 જેટલા વિદ્યાર્થીઓ પાણી ભરાયેલા માર્ગમાંથી પસાર થઈ ગામની પ્રાથમિક શાળાએ પહોંચવા મજબૂર બન્યા છે. સરકાર દ્વારા સૌ ભણે, સૌ આગળ વધેના સૂત્ર સાથે શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, પરંતુ મૂળભૂત સુવિધાના અભાવે બાળકો જોખમ વચ્ચે શિક્ષણ મેળવવા જઈ રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, લીલાપુરા ગામડીમાંથી બાળકો ખેતર માર્ગે ચાલીને નાના જામપુરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ ગામની ડેરીમાં દૂધ ભરાવવા આવતા પશુપાલકો પણ સવાર-સાંજ બાઈક તથા અન્ય વાહનો સાથે પાણી ભરાયેલા માર્ગમાંથી પસાર થવું પડતાં તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
