થરા વિભાગ શરાફી સહકારી મંડળીના મેનેજર તરુણ ઠક્કરને ચાર દિવસના પોલીસ રિમાન્ડ બાદ સોમવારે થરા પોલીસે શિહોરી જ્યુડિશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. સુનાવણી બાદ કોર્ટે ગુનો જામીનલાયક હોવાનું અવલોકન કરી મેનેજરની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરી હતી. સાથે જ મંડળીના બોર્ડ ઓફ્ ડિરેક્ટર્સ તરફે રજૂ કરાયેલી વાંધા અરજીને કોર્ટે ફ્ગાવી દીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, મેનેજર તરુણ ઠક્કર રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં મંડળીના ચેરમેને તેમની સામે વિશ્વાસઘાત કરી હિસાબી ચોપડા, સીપીયુ અને અન્ય કિંમતી માલસામાન સાથે ફરાર થયાની ફરિયાદ થરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે પરિવારજનો મારફ્તે ઠક્કરને હાજર થવા નોટિસ પાઠવી હતી, જેના અનુસંધાને તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. મંડળીમાં સંભવિત ઉચાપત અને ગુમ થવા પાછળના કારણો જાણવા પોલીસે કોર્ટ પાસે પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જે પૈકી કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડની મુદત પૂર્ણ થતાં આજે તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તે સમયે બચાવ પક્ષના વકીલે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી, જેનો મંડળીના સંચાલકોના વકીલે વિરોધ નોંધાવી જામીન નામંજૂર કરવા વાંધા અરજી દાખલ કરી હતી. જોકે, બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વાંધા અરજી ગ્રાહ્ય ન રાખતાં જામીન અરજી મંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
