વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકામાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલવા એસપી ચિંતન તેરૈયાની સૂચનાથી વાવ પીઆઇ એસ.એમ.વસાવાના રાહબરી હેઠળ પોલીસ ટીમે બે ઇસમોની અટકાયત કરી ખીમાણાવાસ ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી હતી.

વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોજે ખીમાણાવાસ ગામે સતી માતાજીના મંદિરમાં તા. 21/07/2025 ના રોજ અજાણ્યા ઇસમો દ્વારા ચોરી કરવામાં આવી હતી. અજાણ્યા ચોર ઇસમોએ મંદિરનું તાળું તોડીને રોકડ રકમ સહિત સોના ચાંદીના માતાજીને ચડાવેલા દાગીના સહિત કુલ રૂ.1,65,000 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વણ શોધાયેલા આ ગુનાની તપાસ દરમિયાન વાવ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સી.સી.ટી.વી. ફૂટેજ, હ્યુમન સોર્સિસ તેમજ ટેક્નિકલ/ફિંગરપ્રિન્ટ્સની મદદથી તપાસ કરવામાં આવી હતી. આ સઘન તપાસના આધારે ગુનાનો ભેદ ઉકેલીને દિનેશ શંકરભાઈ વેણ રહે. નવાવાસ, તા. વાવ અને જામા ગોવિંદભાઈ મકવાણા રહે. ખીમાણાવાસ, તા. વાવ વાળાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ રોકડ તથા મુદ્દામાલ મળી કુલ રૂ. 2,64,899 લાખનો મુદ્દામાલ, ગુનામાં ઉપયોગમાં લીધેલ બાઈક તેમજ ઘરફોડ ચોરીમાં વપરાયેલ બે કોસ કબજે કરવામાં આવ્યા હતા. વધુ પૂછપરછ અર્થે રીમાન્ડ મેળવી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.