થરા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વડાગામ નજીક નેશનલ હાઇવે પર ઇન્ડિયન ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ઘરેલું ગેસની ચોરી કરી સિલિન્ડરોમાં ભરવાની પ્રવૃત્તિ ઝડપાઈ હતી. પોલીસે સ્થળ પર દરોડો પાડી પાંચ ગેસના ભરેલા તેમજ 11 ખાલી સિલિન્ડર અને ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતા સાધનો તેમજ છોટા હાથી વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
થરા પોલીસ સ્ટેશનના પીઆઇ એન કે વિંઝુડાના જણાવ્યા મુજબ વડાગામ નજીક જલારામ મંદિર પાસેથી આગળ થરા-ડીસા હાઇવે પર આવેલી સાવરિયા શેઠ નામની દેશી હોટેલ-ધાબા બહાર ઇન્ડિયન ગેસના ટેન્કરમાંથી લોખંડની ભૂંગળી, રેગ્યુલેટર અને પાઇપની મદદથી સીધો ગેસ કાઢી મોટર દ્વારા સિલિન્ડરમાં ભરવામાં આવી રહ્યો હતો. દરોડામાં 5 ભરેલા ઇન્ડિયન ગેસના સિલિન્ડર 11 ખાલી સિલિન્ડર તેમજ ગેસની હેરફેર માટે ઉપયોગમાં લેવાતું છોટા હાથી વાહન સહિત પણ કબજે લેવામાં આવ્યું હતું. પોલીસે ટેન્કર ચાલક આશિષરાય મદનરાયની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ટેન્કર મુન્દ્રા પોર્ટ પરથી ઇન્ડિયન ગેસ ભરી ઉત્તર પ્રદેશના કાશીપુર તરફ્ જઈ રહ્યું હતું. દરમિયાન અજીતસિંહ શ્રાવણસિંહ ચૌહાણ (રહે. આંત્રોલી, તા. પાલનપુર) અને દશરથસિંહ જોગસિંહ સોલંકી (રહે. સામઠી, તા. પાલનપુર) સાથે મળી ટેન્કરના વાલ્વની સીલ તોડી રેગ્યુલેટર અને પાઇપ જોડીને મોટરની મદદથી ગેસ સિલિન્ડરોમાં ભરતા હોવાનું બહાર આવ્યું હતું. એમાં પોતાની એક ગેસ સિલિન્ડર દીઠ 2000 રૂપિયા આપવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વગર જોખમી રીતે ઘરેલું ગેસના સિલિન્ડરો ભરી કાળા બજારમાં ઊંચા ભાવે વેચી નફે કમાતાં હોવાની વિગતો સામે આવી છે.
