આજના આધુનિક યુગમાં જ્યાં લગ્નપ્રસંગોમાં આધુનિક સાધનો અને દેખાવનું ચલણ વધી રહ્યું છે, ત્યાં બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના જાખેલ ગામે શિરવાડિયા પરિવારે વર્ષો જૂની પરંપરાને જીવંત રાખી તુલસી વિવાહનો ધાર્મિક પ્રસંગ અનોખી રીતે ઉજવ્યો હતો. આ પ્રસંગે શિરવાડા ગામના શિરવાડિયા પરિવાર દ્વારા પરંપરાગત રીતરિવાજ મુજબ તુલસી માતા સાથે વિવાહ કરવા માટે ભવ્ય જાન કાઢવામાં આવી હતી. આ જાનનું વિશેષ આકર્ષણ શણગારેલા બળદગાડા રહ્યાં હતાં. આધુનિકતાની દોડ વચ્ચે બળદગાડા સાથે જાન કાઢીને પરિવારે જૂની ગ્રામ્ય સંસ્કૃતિ, પરંપરા અને રીતરિવાજોની યાદ તાજી કરાવી હતી. પરંપરાગત વેશભૂષા અને ઉત્સાહભેર નીકળેલી જાનને નિહાળવા લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી. તુલસી વિવાહના આ પવિત્ર પ્રસંગે પરિવારજનો, ગામના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઢોલ-નગારાંના નાદ અને હર્ષોલ્લાસ વચ્ચે ધાર્મિક વિધિ-વિધાન સાથે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને સૌએ સાથે મળીને આ પરંપરાગત પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તુલસી વિવાહ હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. આ પ્રસંગે શિરવાડિયા પરિવાર દ્વારા બળદગાડા સાથે જાન કાઢવાની પરંપરા નિભાવીને નવી પેઢીને આપણી સંસ્કૃતિ અને વારસાનું મહત્ત્વ સમજાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આધુનિક યુગમાં પણ આવી પરંપરાઓ જળવાઈ રહે તે સમાજ માટે ગૌરવની બાબત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો