બનાસકાંઠા જિલ્લાના મથક પાલનપુર અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો અને ધુમ્મસની ચાદર છવાઈ જવા સાથે ખુશનુમા માહોલ સર્જાયો હતો. ધીમી ધારે વરસેલા ઝરમર વરસાદને કારણે સમગ્ર પંથકમાં મોસમ આહલાદક બની ગઈ છે.પાલનપુરમાં 3 મીમી વરસાદ નોંધાયો છે જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ મોસમ મનમોહક બની ગઈ હતી. જિલ્લા વડા મથક પાલનપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસિયા આબોહવા વચ્ચે ઝરમર વરસાદની સરવાણીઓ શરૂ થઈ હતી. ખેતરો અને ખુલ્લા વિસ્તારો પર છવાયેલી ધુમ્મસની ચાદર વચ્ચે પ્રકૃતિનો રમણીય નજારો જોવા મળ્યો હતો. જિલ્લામાં સરેરાશ વરસાદ 3.5 મીમી નોંધાયો છે. ઝાકળભર્યા અને ખુશનુમા હવામાન વચ્ચે પડેલા આ હળવા વરસાદી છાંટાથી વાતાવરણમાં રહેલો બફારો દુર થયો છે. સોડમભરી માટી અને ઝરમર વરસાદને કારણે પાલનપુર વાસીઓએ આહલાદક હવામાનનો આનંદ માણ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો