કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે આવેલી બેંક ઑફ્ બરોડાની શાખામાં ગંભીર બેદરકારી સામે આવી છે. બેંકના મુખ્ય હોલ સહિત તમામ એર કન્ડિશનિંગ (એસી) સિસ્ટમ બંધ હાલતમાં હોવાથી ગ્રાહકો તથા સ્ટાફ્ને ઉકળતી ગરમી અને ભારે બફારામાં કામકાજ કરવું પડી રહ્યું છે.મળતી માહિતી મુજબ બેંકમાં લાગેલ તમામ એસી લાંબા સમયથી કાર્યરત નથી. જેના કારણે મુખ્ય હોલમાં તાપમાન વધતા પરિસ્થિતિ અત્યંત અસહ્ય બની ગઈ છે. દૈનિક વ્યવહારો માટે આવતા ગ્રાહકોને લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે અને ગરમીના કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે.ખાસ કરીને વૃદ્ધ નાગરિકો, મહિલાઓ અને દૂરથી આવતા ગ્રાહકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ગ્રાહકો ગરમીના કારણે થાક, બેચેની અને ચક્કર જેવી સમસ્યાઓની ફરીયાદ કરતા જોવા મળ્યા છે.બીજી તરફ્ બેંક સ્ટાફ્ને પણ સતત કલાકો સુધી ભારે ગરમીમાં કામ કરવું પડી રહ્યું છે, જેના કારણે કાર્યક્ષમતા પર સીધી અસર પડી રહી છે. ઘણી વખત પરિસ્થિતિ એવી સર્જાય છે કે ગ્રાહકોમાં અસંતોષ અને રોષનો માહોલ જોવા મળે છે.સ્થાનિક લોકો અને બેંક ગ્રાહકોએ આ બાબતે તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. લોકોનું કહેવું છે કે વારંવાર ફરીયાદો છતાં પણ એસી સિસ્ટમને તાત્કાલિક કાર્યરત કરવા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રાહકોની માંગ છે કે તાત્કાલિક તમામ એસી રિપેર કરી બેંકમાં ઠંડક વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં આવે, જેથી લોકોને રાહત મળી શકે.
