બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસે આવેલા નેશનલ હાઈવે પર મધરાત્રે જીવલેણ અકસ્માત બન્યો હતો. કાર સાથે આખલો અથડાતા કાર પલટી જતા રાજકોટના બે વેપારી મિત્રોના મોત નિપજયા હતા. જ્યારે એક યુવકને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતમાં કાર રસ્તા પરથી ઉછળીને આશરે 20 ફૂટ દૂર ખાડામાં પટકાઈ ગઈ હતી અને તેના ટુકડેટુકડા ઊડી ગયા હતા. અકસ્માતના આ ભયાનક દૃશ્યમાં ઘટનાસ્થળે કારના ટુકડા રસ્તા પર વેરવિખેર થયા હતા. રાજકોટના ઈન્દ્રપ્રસ્થ નગરમાં રહેતા યુવરાજસિંહ હરવિજયસિંહ રાઠોડ(ઉ.27) તેમ જ તેના ભાગીદાર મૂળ અમરેલીના અને હાલ રાજકોટ રહેતા દિવ્યજીત દિલુભાઈ ધાંધલ અને હરદિપસિંહ કાર લઈને રાજસ્થાનના જોધપુર ખાતે ધંધાના કામે જતા હતા તે દરમ્યાન વાવ થરાદ નજીક નેશનલ હાઈવે પર અચાનક આખલો આડે ઉતરતા તેની સાથે અથડાયા બાદ કાર પલ્ટી જતા ત્રણેય યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ગંભીર ઈજા થતા યુવરાજસિંહ અને દિવ્યજીતના મોત નિપજયા હતા.

રાજકોટના પડવલા ખાતે ઓઈલ રિફાઈનરી ચલાવતા યુવરાજસિંહ તેના ભાગીદાર દિવ્યજીત સાથે જોધપુર ખાતે ધંધાના કામે જતા હતા ત્યારે આ અકસ્માત થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.