દાંતીવાડા તાલુકાના ગાંગુવાડા વિસ્તારમાં વન્યજીવ પ્રત્યે કુંરતા દાખવવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાત્રિના સમયે રીંછની પાછળ વાહન દોડાવી, સતત હોર્ન વગાડી તેને ભયભીત કરનાર બે શખ્સોની દાંતીવાડા વન વિભાગે માત્ર 6 કલાકની અંદર ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ગત સોમવાર ના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ગાંગુવાડા પાસે કેટલાક શખ્સો વાહનમાં રીંછનો પીછો કરી રહ્યા હતા. 100 થી 200 મીટર સુધી રીંછની પાછળ ગાડી દોડાવી, 2-3 મિનિટ સુધી સતત હોર્ન વગાડી વન્યજીવને અત્યંત ભયભીત કરવામાં આવ્યું હતું. આ ગંભીર બાબત દાંતીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફ્સિર (RFO) આર.એમ. તબિયારના ધ્યાને આવતા તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જીણવટભરી તપાસમાં બહાર આવ્યું હતું કે આ વીડિયો ગાંગુવાડાના જ શખ્સોએ મનોરંજન માટે ઉતાર્યો હતો.હાલમાં તો વન વિભાગે મુખ્ય આરોપી વિદેશકુમાર નટનો મોબાઈલ જપ્ત કરી સીલ કર્યો છે, જેમાં આ ગુનાહિત કૃત્યનો ઓરિજિનલ વીડિયો મળી આવ્યો હતો. જેમાં આરોપીમાં વિદેશકુમાર ઇન્દ્રભાઈ નટ (રહે. ગાંગુવાડા, તા. દાંતીવાડા) કરસનભાઈ વરઘાજી માળી (રહે. પાંસવાળ, તા. દાંતીવાડા) વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં









