સરહદી વાવ અને થરાદ જિલ્લા પંથકમાં શનિવારની રાત્રીએ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ તેમજ વીજળીએ ભારે આતંક મચાવ્યો હતો. આ કુદરતી આફ્તના કારણે ખેતરોમાં વસવાટ કરતા ગરીબ ખેડૂતોના રહેણાંક મકાનો તેમજ પશુઓ બાંધવાના શેડના પતરા હવામાં ફ્ંગોળાઈ ગયા હતા, જેના કારણે ખેડૂત પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
પવનની તીવ્રતા એટલી વધારે હતી કે થરાદના આજાવાડા ગામે આવેલી સુપ્રસિદ્ધ ક્કનર્મદેશ્વર ગૌશાળાક્રના પતરા પણ હવામાં ઉડી ગયા હતા. ગૌશાળાના શેડ તૂટી પડવાના કારણે મોટાપાયે આર્થિક નુકસાન થયું છે, જેને પગલે ગૌશાળા સંચાલકો અને સ્થાનિકો દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરી યોગ્ય નુકસાની વળતર આપવાની માંગ કરવામાં આવી છે. ધરણીધર તાલુકાના જોરડીયાળી તેમજ તખતપુરા સહિતના આજુબાજુના વિસ્તારોમાં પણ વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. અનેક જગ્યાએ વીજપોલ (થાંભલા) અને વીજ ડીપી ધરાશાયી થઈ જતાં સમગ્ર પંથકમાં અંધારપટ છવાઈ ગયો હતો. જોરડીયાળી ગામે આ આફ્તમાં એક ગાયનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી છે. આ ચોમાસાની શરૂઆતમાં સરહદી પંથકમાં વિચિત્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાવ-થરાદના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ત્યાં વાવણી લાયક વરસાદ નોંધાયો છે, જ્યારે બીજી તરફ્ અમુક વિસ્તારો હજી પણ વરસાદની અછતનો સામનો કરી રહ્યા છે. ભારે પવનના કારણે સમગ્ર સરહદી પંથકના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે નુકસાનીનું આકલન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
