થરાદ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પાણીની અયોગ્ય નિકાલ વ્યવસ્થાઓને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક શહેરીજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ભરાયેલા પાણીની સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટેની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. જેસીબી મશીનો, પંપ સેટ્સ અને સફાઈ કામદારોની ટીમો દ્વારા પાણી ખાલી કરવાના પ્રયાસો સતત જારી છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી હોવા છતાં, ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે હજુ પણ અનેક નીચાણવાળા વિસ્તારો અને ગલીઓમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પાણીના નિકાલ માટે કોઈ નક્કર અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં નહીં આવે, ત્યાં સુધી ચોમાસા દરમિયાન આ જ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડશે. નાગરિકો દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કે પાણીના નિકાલની આ કામગીરીને વધુ વેગ આપવામાં આવે અને કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે, જેથી રોગચાળાનો ભય પણ ટળી શકે.