બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ દર્દીઓને સેવા આપવાને બદલે પોતે જ જાણે "બીમાર" હાલતમાં હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. હોસ્પિટલમાં જરૂરી સાધનોની અછત અને બગડી ગયેલા મશીનોને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કથળી ગયેલી આરોગ્ય સેવાઓ
દાંતાની સિવિલ હોસ્પિટલમાં ઈન્સ્ટ્રુમેન્ટની અછત એટલી હદે વધી ગઈ છે કે દર્દીઓને યોગ્ય સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર થવું પડી રહ્યું છે.હોસ્પિટલના તબીબે પોતે સ્વીકાર્યું છે કે સિવિલનું ECG મશીન છેલ્લા બે મહિનાથી બંધ હાલતમાં છે. હૃદય સંબંધિત કેસમાં ECG એ તાત્કાલિક નિદાન માટેનું પ્રાથમિક સાધન હોવા છતાં તેનું બંધ રહેવું ગંભીર બેદરકારી દર્શાવે છે.ભુપતસિંહ વાઘેલા નામના એક દર્દીને મોડી રાત્રે છાતીમાં દુખાવો થતાં સારવાર અર્થે સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, સ્ટાફે ઈન્સ્ટ્રુમેન્ટની અછતને કારણે ગલ્લાંતલ્લાં કરતા, તેમને સિવિલમાં સારવાર ન મળતાં પ્રાઇવેટ હોસ્પિટલના ધક્કા ખાવા પડ્યા હોવાના આક્ષેપો થયા છે.










