બનાસકાંઠા જિલ્લાના દાંતા પોલીસ લાઇન ક્વાર્ટરમાં રહેતા અને ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલની પત્નીનો રહસ્યમય સંજોગોમાં લટકતો મૃતદેહ મળી આવ્યો છે. સામાન્ય રીતે જે પોલીસ લોકોની સુરક્ષા અને ગુના ઉકેલવાનું કામ કરે છે, તે જ પોલીસના આંગણે પત્નીની શંકાસ્પદ મોત થતાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
અન્ય લોકો આવે તે પહેલાં જ લાશ નીચે ઉતારી લીધી
આ કેસમાં સૌથી મોટી શંકાસ્પદ કડી એ સામે આવી છે કે, મૃતક યુવતીને ફાંસો ખાધેલી હાલતમાં તેના કોન્સ્ટેબલ પતિ સિવાય અન્ય કોઈએ રૂમમાં લટકતી જોઈ નથી. પડોશીઓ, પોલીસ લાઇનના અન્ય સ્ટાફ કે યુવતીના પિયર પક્ષના લોકો ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ પતિએ ઉતાવળે પત્નીના મૃતદેહને ફાંસો ખોલીને નીચે ઉતારી લીધો હતો. આ બાબતને જ પિયરિયા પક્ષે મુખ્ય હથિયાર બનાવીને આક્ષેપ કર્યો છે કે, જો યુવતીએ જાતે આત્મહત્યા કરી હોત તો પોલીસ હોવા છતાં પતિએ પંચનામું કે ઉચ્ચ અધિકારીઓ આવ્યા પહેલાં લાશને કેમ અડી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કેમ કર્યો?
રોજિંદા કલહ અને આગલી રાત્રિનો ઝઘડો
સ્થાનિક લોકો અને પોલીસ ક્વાર્ટરમાં ચાલતી ચર્ચાઓ મુજબ, લગ્નના આ બે વર્ષ દરમિયાન પતિ-પત્ની વચ્ચે અવારનવાર સામાન્ય બાબતોમાં ઉગ્ર ઝઘડા અને અણબનાવ થતા હતા. બનાવની આગલી રાત્રે પણ બંને વચ્ચે કોઈ વાતને લઈને ભારે વિવાદ થયો હતો, જેના કારણે ઉશ્કેરાયેલા કોન્સ્ટેબલ પતિએ રાત્રે ઘરમાં જમવાનું ટાળીને બહાર હોટલમાં ભોજન કર્યું હતું. ઘટનાના સમયે ક્વાર્ટરમાં માત્ર પતિ-પત્ની બે જ હાજર હતા અને ત્રીજું કોઈ સદસ્ય ન હતું.
પીડિત પરિવારનો આક્રોશ, ઉચ્ચ કક્ષાએ તપાસ
દીકરીના અકાળે અને શંકાસ્પદ મોતના સમાચાર મળતાં જ પિયર પક્ષના લોકો મોટી સંખ્યામાં દાંતા દોડી આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો છે કે દીકરીને શારીરિક-માનસિક ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારી દેવાઈ છે. આ અક્રોશને પગલે દાંતા પોલીસ મથક બહાર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને ન્યાય માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોતાની જ લાઇનનો મેટર હોવાથી તપાસમાં કોઈ પક્ષપાત ના થાય તે માટે ડીવાયએસપી (DySP) સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસે મૃતદેહને પેનલ પીએમ (Post Mortem) અને એફએસએલ (FSL) ની ટીમ બોલાવી ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી છે, જેથી પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આ આત્મહત્યા છે કે હત્યા.
આ પણ વાંચો: Vadodara: મોઢામાં દાગીના છુપાવી ચોરી કરતી મહિલા પકડાઈ, બદનામીના ડરે કરગરી પડતાં આખરે મામલો થાળે પડ્યો