બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી શૈક્ષણિક જગતને લાલબત્તી સમાન અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડીસામાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરતા એસઓજી પોલીસે લાખો રૂપિયાની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. નવાઈની વાત એ છે કે, ઝડપાયેલા આરોપીઓ પૈકીનો એક મુખ્ય આરોપી ઉચ્ચ ડિગ્રીધારી અને યુનિવર્સિટીનો ગોલ્ડ મેડાલિસ્ટ છે, જે ચિંતાનો વિષય છે.



કંસારી ટોલનાકા નજીક વોચ ગોઠવીને ઝડપ્યા

ઘટનાની મળતી વિગતો અનુસાર, બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને ડીસા હાઈવે પર ડ્રગ્સની હેરાફેરી થવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ડીસાના કંસારી ટોલનાકા નજીક નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બે શખ્સોને અટકાવી તેમની તલાશી લેતા તેમની પાસેથી 16 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.


LLB, M.Phil અને યુનિવર્સિટીનો ગોલ્ડ મેડાલિસ્ટ નીકળ્યો પેડલર!

પોલીસે જ્યારે પકડાયેલા શખ્સોની આકરી પૂછપરછ કરી ત્યારે તેમના શૈક્ષણિક બેકગ્રાઉન્ડ વિશે જાણીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. ડ્રગ્સની હેરાફેરી કરતો મુખ્ય સૂત્રધાર ડીસાનો જોગેશ મહેશકુમાર ઠાકોર છે, જે LLB અને M.Phil જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવે છે, તેમજ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહી ચૂક્યો છે. જોગેશ પોતાની સાથે સાગરીત તરીકે ડીસાના આસેડા ગામના સાહિલ પ્રવીણભાઈ સોલંકીને રાખીને આ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો.


5.78 લાખનો મુદ્દામાલ જપ્ત, આગળની તપાસ શરૂ

એસઓજી પોલીસે બંને આરોપીઓ પાસેથી 16 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા 5.78 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ભણેલા-ગણેલા યુવાનો આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ડીસા કે બનાસકાંઠાના કયા સ્થાનિક વિદ્યાર્થીઓ કે યુવાનોને સપ્લાય કરવાના હતા, તે દિશામાં પોલીસે નાર્કોટિક્સ એક્ટ (NDPS) હેઠળ ગુનો નોંધીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Banaskantha News: અંબાજીના રિછડી તળાવમાં 3 બાળકોના ડૂબી જવાથી મોત


  • Follow us on: