બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને મિની દ્વારકા તરીકે ઓળખાતા ઢીમા ગામે આજે ચૈત્રી પૂનમ નિમિત્તે ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ધરણીધર ભગવાનના સાનિધ્યમાં યોજાયેલા ભવ્ય લોકમેળામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતાની સાથે 'જય ધરણીધર'ના ગગનભેદી નાદ સાથે સમગ્ર નગરી ભક્તિના રંગે રંગાઈ ગઈ હતી.

ચૈત્રી પૂનમનું વિશેષ મહત્વ

ઢીમા ખાતે દર પૂનમે મેળો ભરાતો હોય છે, પરંતુ ચૈત્રી પૂનમનું આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન ધરણીધરના દર્શન કરવા માટે માત્ર બનાસકાંઠા જ નહીં, પરંતુ દૂર-દૂરથી અને પડોશી રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનો મારફતે અહીં પહોંચ્યા હતા. માનવ મહેરામણ ઉમટી પડતા મંદિર પરિસર અને મેળાનું મેદાન ભક્તોથી ઉભરાઈ ગયું હતું. શ્રદ્ધાળુઓએ દર્શન કરી, ધન્યતા અનુભવી સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી તકેદારી

મેળામાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોવાથી વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર-ઠેર પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભક્તોને પીવાના પાણી, લાઈટ અને પાર્કિંગ જેવી પાયાની સુવિધાઓ મળી રહે તે માટે સ્થાનિક ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

લોકમેળાની રંગત

ભક્તિની સાથે સાથે લોકમેળામાં ગ્રામીણ સંસ્કૃતિના દર્શન પણ થયા હતા. મેળામાં રમકડાં, ઘરવખરીની વસ્તુઓ અને ખાણી-પીણીના સ્ટોલ્સ પર ભારે ભીડ જોવા મળી હતી. બાળકો અને મોટેરાઓએ ચગડોળમાં બેસી આનંદ માણ્યો હતો. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ એટલી જ આસ્થા સાથે જળવાઈ રહી છે.


આ પણ વાંચો - Banaskantha News: ખોડા ચેકપોસ્ટ પાસે કરોડોના વિદેશી દારૂ બુલડોઝર ફેરવાયું, DYSP રહ્યા હાજર