પાલનપુરના ટોકરીયા ગામે ખેતરમાં લગાવેલી તારની વાડમાં વીજ કરંટના કારણે એક ખેડૂત અને એક શ્વાનનું મોત નીપજતા ચકચાર મચી ગઈ છે. ખેતરના રક્ષણ માટે ગેરકાયદેસર રીતે વીજ પ્રવાહ મુકવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


વીજ કરંટના કારણે એક ખેડૂત અને એક શ્વાનનું મોત

મળતી માહિતી મુજબ, ટોકરીયા ગામમાં રહેતા એક ખેડૂત પોતાના ખેતરમાં વાવેલી વરિયાળીના પાકની દેખરેખ રાખવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પાડોશી ખેડૂતો રામા પ્રજાપતિ અને રમેશ પ્રજાપતિના ખેતર પાસેથી પસાર થતી વખતે ત્યાં લગાવેલી તારની વાડને તે ભૂલથી અડકી ગયા હતા. આ વાડમાં ઝટકા મશીનનો જોરદાર વીજ કરંટ વહેતો હોવાથી ખેડૂતને જોરદાર આંચકો લાગ્યો હતો અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

વીજ પ્રવાહની ઝપેટે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ

આ કરુણ દુર્ઘટનામાં માત્ર ખેડૂત જ નહીં, પરંતુ એક અબોલ શ્વાનનું પણ કરંટ લાગવાથી મોત થયું છે. આ ઉપરાંત, આ જ વીજ પ્રવાહની ઝપેટે આવતા અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ખેતરમાં પશુઓ કે જંગલી જાનવરોથી રક્ષણ મેળવવા માટે મુકવામાં આવેલો આ કરંટ નિર્દોષ માનવી માટે જીવલેણ સાબિત થયો છે.

બે ખેડૂતો સામે પોલીસ ફરિયાદ

આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઢ પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે રામા પ્રજાપતિ અને રમેશ પ્રજાપતિ સામે બેદરકારી દાખવી જીવલેણ કરંટ ગોઠવવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: ગોડાદરામાં જૂની અદાવતમાં મોડી રાત્રે ફાયરિંગ, યુવકની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો

  • Follow us on: