સરહદી જિલ્લા બનાસકાંઠામાં સનસનાટી મચાવતા હનીટ્રેપના કિસ્સામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ડીસાના એક જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવી તેની પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગવાના ગુનામાં પોલીસે એક પોલીસકર્મી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર રિક્વેસ્ટ મોકલી ફસાવ્યો

સમગ્ર ઘટનાની વિગત મુજબ, આરોપીઓએ એક યુવતી મારફતે ડીસા પંથકના જમીન દલાલને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ ધીમે-ધીમે દલાલને પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો હતો. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ જમીન દલાલ અને યુવતીની અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોના આધારે દલાલને બ્લેકમેલ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

50 લાખની માંગણી અને પોલીસની એન્ટ્રી

આરોપીઓએ વીડિયો વાયરલ ન કરવાના બદલામાં જમીન દલાલ પાસે 50 લાખ રૂપિયાની માતબાર રકમની માંગણી કરી હતી. આ બાબતે દલાલે હિંમત દાખવી પોલીસનો સંપર્ક કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે મોબાઈલ લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી.

LCBના પૂર્વ પોલીસકર્મીની સંડોવણી

પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે, આ હનીટ્રેપમાં પોલીસ વિભાગનો જ કર્મચારી સામેલ હતો. એલસીબીમાં (LCB) ફરજ બજાવી ચૂકેલા અને હાલ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા જોરાવરસિંહ ડાભીની આ કેસમાં અટકાયત કરવામાં આવી છે. તેમની સાથે આંત્રોલીના વિજયસિંહ ડાભી અને જીતેન્દ્રસિંહ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી છે.

કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ

પાલનપુર પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ત્રણેય આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, આ ટોળકીએ અગાઉ અન્ય કેટલા લોકોને આ પ્રકારે પોતાની જાળમાં ફસાવ્યા છે અને આમાં યુવતીની ભૂમિકા શું હતી.


આ પણ વાંચો - Banaskantha: ડીસાના મુડેઠા ગામ પાસે નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો