બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા અચાનક રદ કરવામાં આવતા સરહદી પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ચૂંટણી રદ થવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ કોંગ્રેસ છાવણીમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો હતો. વાવ-થરાદ વિસ્તારના સાંસદ ગેનીબેન ઠાકોર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો સાથે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે જ જમીન પર બેસીને ધરણા પર ઉતરી ગયા છે, જેને પગલે વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

બહાનું બનાવી ચૂંટણી રદ કરી હોવાનો આક્ષેપ

સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સમક્ષ ચૂંટણી અધિકારીની ભૂમિકા અને વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી અધિકારી પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે નિયત સમય કરતાં 1 કલાક જેટલા મોડા આવ્યા હતા. ત્યારબાદ કચેરીની અંદર સભ્યો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેને જ મોટું બહાનું બનાવીને સત્તાવાર પ્રક્રિયા પૂરી કર્યા વિના જ ચૂંટણી અધિકારીએ તાત્કાલિક ધોરણે પ્રમુખ-ઉપપ્રમુખની આખી ચૂંટણી રદ કરવાની જાહેરાત કરી દીધી હતી.

ગેનીબેન ઠાકોરે કર્યા આકરા પ્રહાર

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ચૂંટણી અધિકારી પર શાસક પક્ષ સાથે મિલીભગત હોવાના સનસનીખેજ આરોપ લગાવ્યા છે. તેમણે આકરા શબ્દોમાં પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "ચૂંટણી અધિકારી જાણે ભાજપના ગુલામ હોય તેમ વર્તી રહ્યા છે અને તેઓ લોકશાહીનું મર્ડર કરવા માટે જ મેદાનમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે." ગેનીબેને ચીમકી ઉચ્ચારતા વધુમાં કહ્યું કે જ્યાં સુધી તેઓ અધિકારી પાસેથી આખી ચૂંટણી પ્રક્રિયાનું અધિકૃત 'પ્રોસીડિંગ' (લેખિત અહેવાલ) મેળવી નહીં લે, ત્યાં સુધી તેઓ કચેરી છોડશે નહીં અને તેમનો વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો