બનાસકાંઠાના ડીસા હાઇવે પર રોડ બનાવવાની કામગીરી શરૂ થતાની સાથે જ મોટો વિવાદ ઊભો થયો છે. હાઇવેને અડીને આવેલી અંદાજે 11 જેટલી સોસાયટીઓના રહીશોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે રસ્તા પરના નડતરરૂપ દબાણો દૂર કર્યા વગર જ તંત્ર દ્વારા ઉતાવળે રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સમસ્યાને લઈને મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા અને નાયબ કલેક્ટર તેમજ ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરી હતી.
સોસાયટીના રહીશોનો હુંકાર
રહીશોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો રસ્તામાં આવતા ગેરકાયદેસર દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં આવતી તમામ ચૂંટણીઓનો તેઓ સામૂહિક બહિષ્કાર કરશે. સ્થાનિકોનું કહેવું છે કે જો દબાણ હટાવ્યા વિના રોડ બનાવવામાં આવશે તો રસ્તો સાંકડો રહેશે અને ટ્રાફિક તેમજ અકસ્માતની સમસ્યા યથાવત રહેશે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ લોકરોષને પારખીને દબાણો હટાવવાની કામગીરી કરે છે કે પછી લોકોએ આપેલી ચૂંટણી બહિષ્કારની ચીમકી સાચી ઠરે છે.
