બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાનમાં બનેલી એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટનામાં ધાનેરાના ત્રણ ગુજરાતી શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ તમામ લોકો રાજસ્થાનના પ્રખ્યાત ધાર્મિક સ્થળ રણુજા (રામદેવરા) ખાતે બાબારીના દર્શન કરીને પોતાના માદરે વતન પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન કાળનો પંજો ત્રાટક્યો હતો.

નીલગાય આડી ઉતરતાં કાર પરથી કાબૂ ગુમાવ્યો

મળતી પ્રાથમિક માહિતી અને સ્થાનિક ચર્ચાઓ અનુસાર, શ્રદ્ધાળુઓ જ્યારે કાર લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તાની વચ્ચે એક નીલગાય (રોઝડું) આવી ગયું હતું. પૂરપાટ ઝડપે જતી કાર સામે અચાનક વન્યજીવ આવી જતાં ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.

ધાનેરાના થાવર ગામના લોકો મોતને ભેટ્યા

આ અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય મૃતકો બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. એક જ ગામના ત્રણ આશાસ્પદ લોકોના અકસ્માતમાં મોતની ખબર મળતા જ થાવર ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે અને પરિવારોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે.

મૃતદેહોને વતન લાવવા ધાનેરા પોલીસની તજવીજ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રાજસ્થાન પોલીસ તેમજ ગુજરાતની ધાનેરા પોલીસ એક્શનમાં આવી છે. અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધાનેરા પોલીસ દ્વારા રાજસ્થાન પોલીસ અને વહીવટી તંત્ર સાથે સતત સંપર્ક સાધીને ત્રણેય મૃતકોના શબનું પોસ્ટમોર્ટમ કરાવી, તેમના જલ્દીથી જલ્દી માદરે વતન લાવવા માટેની જરૂરી તજવીજ અને કાનૂની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો - Banaskantha News: અમીરગઢના કપાસિયા ઘોટા પાસે ડામર ભરેલી ટ્રકે બાઈકને કચડી, યુવકનું કમકમાટીભર્યું મોત