દાંતીવાડા । (સં.ન્યૂ.સ)
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના હરિયાવાડા ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની બદલી મુદ્દે વિવાદ વકરતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, હરિયાવાડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક આલોક મિશ્રા સામે શૈક્ષણિક કામગીરીમાં બેદરકારી રાખતા હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી છે. જેને લઈ બાળકોના અભ્યાસ પર અસર પડતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. ગત 15 ઓગસ્ટના રોજ મળેલી ગ્રામસભામાં પણ વાલીઓ અને ગ્રામજનોએ મુખ્ય શિક્ષક સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલાTPO દ્વારા મુખ્ય શિક્ષકની અન્ય શાળામાં બદલી કરવાની ખાતરી આપવામાં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા તેમને અન્ય સ્થળે ટેમ્પરરી કામગીરી સોંપવાનો ઓર્ડર પણ કરાયો હતો, પરંતુ મુખ્ય શિક્ષકે આ ઓર્ડર સ્વીકાર્યો ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. આજે સવારે આલોક મિશ્રા ફરી હરિયાવાડા શાળા પર ફરજ પર આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો શાળા પર એકત્ર થઈ ગયા હતા અને શાળાના મુખ્ય દ્વારને તાળું મારી દીધું હતું. ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી મુખ્ય શિક્ષકની કાયમી બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળાનું તાળું ખોલવામાં આવશે નહીં.
તાળાબંધીને પગલે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ શાળાની બહાર બસ સ્ટેન્ડ પર બેસી રહેવા મજબૂર બન્યા હતા અને બાદમાં તેઓ ઘરે પરત ર્ફ્યા હતા. ગ્રામજનોએ આગામી દિવસોમાં બાળકોને શાળાએ નહીં મોકલવાની ચીમકી ઉચ્ચારી છે. તો બાળકોના અભ્યાસ ન બગડે તે માટે ગામના શિક્ષિત યુવાનો દ્વારા સ્વૈચ્છિક રીતે ભણાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ ઘટનાને લઈ શિક્ષણ વિભાગમાં પણ દોડધામ મચી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
