બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા અને શંકાસ્પદ ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્વોને ઝડપી પાડવા માટે એસ.ઓ.જી. પોલીસ સતત કાર્યરત છે. આ દરમિયાન એસ.ઓ.જી.ની ટીમને ગઢ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. પોલીસે હાઈવે પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ પીકઅપ વાહનને રોકીને તેની તલાશી લેતા તેમાંથી મોટા પાયે બ્રાન્ડેડ કંપનીના નામે પેક કરાયેલા ઘીના ડબ્બા મળી આવ્યા હતા, જે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યંત શંકાસ્પદ જણાતા પોલીસે આખો જથ્થો કબ્જે કર્યો છે.
બજારની નામાંકિત બ્રાન્ડના નામે નકલી ઘીનો વેપાર?
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી.ની ટીમે જ્યારે પીકઅપ વાહનની પાછળના ભાગે તપાસ કરી ત્યારે તેમાંથી બજારમાં વેચાતા નામાંકિત ઘીના લેબલવાળા ડબ્બાઓ મળી આવ્યા હતા. જેમાં ‘રીવાજ પ્રીમિયમ ગાયનું ઘી’ અને ‘શ્રી કૃષ્ણકુંજ શુદ્ધ પ્રીમિયમ ઘી’ લખેલા કુલ ૧૭૧ જેટલા ડબ્બા ભરેલા હતા. ડ્રાઇવર પાસે આ જથ્થા અંગેના કોઈ સંતોષકારક બિલ કે ટ્રાન્સપોર્ટના કાગળો ન હોવાથી પોલીસે ઘીના જથ્થા સહિત પીકઅપ વાહનનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો.
