દાંતીવાડાના ઝાત ગામે ખનન માફિયાઓના ત્રાસથી ગ્રામજનોએ આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. સીપુ નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન અને બેફામ દોડતા ડમ્પરોને કારણે એક આશાસ્પદ યુવક દિનેશભાઈનું મોત થતા ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.આક્ષેપ છે કે,મૃતક યુવકે ગેરકાયદેસર ખનન મામલે તંત્રને ઈમેલ કરીને રજૂઆત કરી હતી.જેના થોડા જ દિવસોમાં ડમ્પરની ટક્કરથી તેમનું મોત થયું છે.


જિલ્લામાં ખનન માફિયાઓની દાદાગીરી

આજે પાલનપુરના કોઝી વિસ્તારથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચેલા ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવાની માગ કરી છે.ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા ખાણ ખનીજ વિભાગે તપાસની ખાતરી આપી છે.ત્યારે હવે જોવાનું એ રહેશે કે ભૂસ્તર વિભાગ માત્ર કાગળ પર તપાસ કરે છે કે ખરેખર ખનન માફિયાઓ પર તવાઈ બોલાવે છે.આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ખનન માફિયાઓની દાદાગીરી સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

રસ્તા રોકો સહિત આંદોલનના માર્ગે

જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચેલા ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે કે એક સપ્તાહ અગાઉ ડમ્પરની ટક્કરે જે યુવકનું મોત નીપજ્યું તે યુવકે થોડા દિવસો અગાઉ જ ગામની નદીમાં થતા ગેરકાયદેસર ખનન મામલે તંત્રનું ધ્યાન દોરવા મેઈલ કર્યો હતો અને તે બાદ ખનન માફિયાઓએ ડમ્પરની ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે.ત્યારે સાત દિવસમાં આ સમગ્ર મામલે તપાસ કરી ગેરકાયદેસર ખનન મામલે ખનન માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જો તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરાય તો સાત દિવસ બાદ ચારથી પાંચ ગામના લોકો એકત્રિત થઈ રસ્તા રોકો સહિત આંદોલનના માર્ગે વળશે તેવી ચીમકી વિચારવામાં આવી છે.

આ પણ વાંચોઃ Sabarkantha News: પોશીના નજીક જાનૈયાઓથી ભરેલી જીપ ખાડામાં ખાબકી, 20થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત


  • Follow us on: