બારડોલી : સુરત અને તાપી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા ઘણા લાંબા સમયથી વાહન ચોરી, કેબલ ચોર અને બેટરી ચોરીના કુલ 18થી વધુ ગુનાઓ આચરનાર નવાપુર-મહારાષ્ટ્ર ગેંગના મુખ્ય સૂત્રધાર અંતુ ઉર્ફે પિન્ટુ દાદા ગાવિત (હાલ રહે. અલથાણ ટેનામેન્ટ ભટાર, સુરત- મૂળ રહે. ભોનઆમલા ગામ, તા. નવાપુર)ને બારડોલી રૂરલ પોલીસે કુલ રૂ. 7,49,300ના મુદ્દામાલ સાથે મોતા ગામ પાસેથી પોલીસે પકડી પાડી શરૂ કરેલી તપાસમાં આની સાથે ગુનામાં સંડોવાયેલા બે શખ્સો બારકિયા રાગા વસાવે (રહે. રાયંગન, તા. નવાપુર) અને મુદ્દામાલ લેનાર નાશરૂદ્દીન સદારૂદ્દીન ખેરાની (રહે. 301-એ, બિલ્ડિંગ પ્રેસિડેન્ટ ટાવર , ઘોડદોડ રોડ, સુરત શહેર)ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ ગેંગે સુરત જિલ્લાના બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન, કામરેજ પોલીસ સ્ટેશન અને તાપી જિલ્લાના વ્યારા, વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગામોમાંથી સોલાર પ્લાન્ટના કેબલ ચોરી, બેટરી ચોરી, મોટરસાઇકલ ચોરી અને તાંબાના વાયરોની ચોરી કરી હતી. બારડોલી પોલીસને બાતમી મળી કે પિન્ટુ મારુતિ સ્વીફ્ટ કાર (નં. જી.જે.-0પ-સી.એમ.-0ર17)માં ડુંગર ચીખલી ગામથી ચોરીનો મુદ્દામાલ ભરીને ગામડાના અંતરિયાળ રસ્તેથી કોઈ ભંગારિયાને આપવા માટે પલસાણા જવા માટે નીકળ્યો છે. જેથી પિન્ટુને પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડયો હતો. તેણે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં 7 ગુનાઓ, કામરેજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનના બે મોટરસાઇકલ ચોરીના અને વાલોડ પોલીસ સ્ટેશનના સોલાર વાયર ચોરીના ગુનાઓની કબૂલાત કરી કરી હતી.
