સુરત જિલ્લાના ખેડૂતોને રવી પાકની સિઝન દરમિયાન રાસાયણિક ખાતર સમયસર, સરળતાથી અને કોઈપણ જાતની હાલાકી વગર મળી રહે તે હેતુસર રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. જેમાં સમગ્ર સુરત જિલ્લામાં ગત તા. 13 નવેમ્બર-2026થી એફ.એફ.એસ. એપ્લિકેશન મારફતે ટોકન સિસ્ટમથી ખાતર વિતરણની કામગીરીનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. 

આ નવતર પહેલ અંતર્ગત હવે ખેડૂતો પોતાના મોબાઈલથી જ ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે. જેના કારણે ખાતર ડેપો કે મંડળી ઉપર લાગતી લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે. એફ.એફ.એસ. એપ્લિકેશનના માધ્યમથી દરેક જરૂરિયાતમંદ ખેડૂતોને તેમની જમીન અને પાકની જરૂરિયાત મુજબ યોગ્ય અને પૂરતા જથ્થામાં ખાતર મળી રહેશે. તદુપરાંત ગણોત, ભાડુઆત, ભાગીયાથી ખેતી કરતા, વન અધિકારપત્ર ધરાવતા, મંદિર, ટ્રસ્ટ, સંસ્થાની જમીનમાં ખેતી કરતા તેમજ નદી કે ડેમની જમીનમાં ખેતી કરતા રાજસ્વ પત્રધારકો આ તમામ ખેડૂતો પણ એપ્લિકેશનનો ઉપયોગ કરી ખાતર ખરીદી શકશે. 

આ સિસ્ટમ હેઠળ મકાન ટોકન મેળવવા કે એપ્લિકેશનના ઉપયોગ અંગે કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો નજીકના ખાતર ડેપો, મંડળી, તાલુકા ખેતીવાડી અધિકારી કે નોડલ અધિકારી કે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. હાલમાં સુરત જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવાથી કોઈપણ ખેડૂતો ગભરાટ રાખવાની કે બિનજરૂરી સંગ્રહ કરવાની જરૂર નથી. તેમ સુરત નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ જણાવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો