13

બારડોલી : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા કલેકટર તેજસ પરમારે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું. કલેકટરે સ્વરાજ આશ્રમના વિવિધ વિભાગોની મુલાકાત લઈ ગાંધીજીના અહિંસા, સત્ય તથા સ્વાવલંબનના વિચારોને જીવનમાં ઉતારવા માટે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. આ વેળાએ સ્વરાજ આશ્રમથી શહીદ ચોક સુધીના માર્ગ પર તેમજ અસ્તાન ફાટક હનુમાનજી મંદિર વિસ્તારમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ નિલમબેન વ્યાસ, નગરપાલિકા ચીફ ઓફિસર મિલનભાઈ પલસાણા, પ્રાંત અધિકારી રોશની પટેલ, મામલતદાર ભરત પટેલ, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ સહિત આશ્રમ પરિવારના સભ્યો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.