બારડોલી પ્રદેશ અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાના કારણે ત્રણ દિવસ સુધી મીંઢોળા નદીમાં આવેલા ધસમસતા પૂરના પાણી તેમજ ગટરીયા પુરના પાણીમાં બારડોલીમાં ફરી વળ્યા હતા. નો મીંઢોળા નદી કિનારાનો મોટો વસતી ધરાવતો વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં 400થી વધુ ઘરો અને શેરીઓ પાંચથી છ ફૂટ સુધી પાણીમાં ડૂબી ગઈ હતી. ગતરાત્રે ઘરોમાંથી પાણી ઉતરી ગયા બાદ કાદવ-કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા રોગચાળો ફાટવાનો ભય ઉભો થયો છે. પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં સફાઈ કરાવવી આવશ્યક છે.

છેલ્લા ત્રણ દિવસ બારડોલી શહેરની તમામ ગટોરોનું પાણી એક થઈને વરસાદી પાણીમાં ભળીને રહેણાક સોસાયટીમાં અને સ્લમ વિસ્તારોમાં કિચડ સાથે જામ થઈ ગયું હતું. મિંઢોળા નદી અને ગટરીયા પુરમાં ડૂબેલા તલાવડી મેદાન વસાહત, નુર નગર, હિદાયતનગર, રાજીવનગર, ઈસ્લામપુરા, બારડોલી કોર્ટ સામેની વસાહત, મરીમાતા વિસ્તાર,આરટીઓ સામેની વસાહત, બારડોલી ફાયર સ્ટેશન સામેની મિઢોળા નદી કાઠેની વસાહત, રાધાક્રિષ્ણ મંદિર પાછળનો ઝુપડપટ્ટી વિસ્તાર, શેઠ ફળિયા વિસ્તાર હવે પૂરના પાણી આજે ઉતરી જતા કાદવ કિચડ અને ગંદકી જોવા મળી રહી છે. આજે આખો દિવસ વરસાદ પડયો ન હતો અને ઉપરથી ગરમી સાથે ભેજનું વાતાવરણ સર્જાતા રોગચાળો ફેલાવાની ભીતિ જોવા મળી રહી છે.

મીંઢોળા નદીમાં પુર દરમ્યાન નદી કિનારાના 400થી વધુ પરીવારના ઘરોમાં પાણી ઘુસી ગયા હતું. જેથી આ લોકોનું સલામત સ્થળે સ્થાળાંતર કરાયું હતું. આ વિસ્તારોમાં પાલિકા દવા છાટીને આરોગ્ય વિષયક પગલા ભરે, ગંદકી દૂર કરે તેવી લોકોની માંગ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો