બારડોલી : કામરેજના વાવ-જોખા રોડ પર આવેલા સુંદરમ્ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પર્યાવરણ જતનના એક અત્યંત સરાહનીય અભિગમ સાથે ગૌમાતાના ગોબર અને ગૌમૂત્રમાંથી સુપર ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે, જે ઉત્સવની ઉજવણી સાથે પ્રકૃતિના જતનનાો સંદેશ આપી રહી છે.

સુંદરમ્ ગૌ વિજ્ઞાન કેન્દ્રના અશ્વિન બલદાણિયા અને તેમની ટીમ છેલ્લા પાંચેક વર્ષથી આશરે 50 જેટલી ગાયોનું જતન કરીને ગૌમૂત્ર અને ગોબરમાંથી વિવિધ ઉપયોગી વસ્તુઓનું નિર્માણ કરે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે તેમણે વિશેષ રૂપે સુપર ઈકોફ્રેન્ડલી ગૌમય ગણેશ મૂર્તિઓ બનાવી છે. મૂર્તિ નિર્માણ માટે ગાયના ગોબરનો ઝીણો પાઉડર બનાવી તેને નેચરલ ગમ-કુદરતી ગુંદર મિકસ કરી મોલ્ડમાં ઢાળીને આકર્ષક મૂર્તિઓ તૈયાર કરાય છે. મૂર્તિઓને સુશોભિત કરવા માટે માત્ર વોટર-બેઝ્ડ અને ઈકો -ફ્રેન્ડલી રંગોનો જ ઉપયોગ થાય છે, જેથી કોઈપણ પ્રકારનું હાનિકારક કેમિકલ પર્યાવરણમાં ન ભળે એમ તેમણે જણાવ્યું હતું. આ મૂર્તિઓને સામાન્ય ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓથી વધુ સુપર ઈકો -ફ્રેન્ડલી ગણાવવામાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે, સામાન્ય માટીનું ખનન પણ એક પ્રકારે પૃથ્વીના સ્તરને અસર કરે છે, જ્યારે ગોબર એ સંપૂર્ણપણે કચરામાંથી સમૃદ્ધિ તરફ લઈ જતું કુદરતી ઘટક છે. આ મૂર્તિઓ જમીન કે પાણીને નુકસાન પહોંચાડવાને બદલે પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે મદદરૂપ સાબિત થાય છે. આ ગૌમય ગણેશજીનું વિસર્જન અત્યંત સરળ અને પર્યાવરણપૂર્વક છે. જો ભક્તો ઘરે જ કુંડામાં કે વૃક્ષના મૂળમાં આ મૂર્તિનું વિસર્જન કરે, તો તે સંપૂર્ણપણે ઓગળીને છોડ માટે ઉત્તમ જૈવિક ખાતર બની જાય છે. બીજી તરફ, જો નદી કે તળાવમાં વિસર્જન કરવામાં આવે તો પાણીમાં ઓગળ્યા બાદ ગોબર વિઘટિત થઈને માછલીઓ તથા અન્ય જળચર જીવો માટે પૌષ્ટિક ખોરાક પૂરો પાડે છે. આમ, વિસર્જન પછી પણ આ મૂર્તિ પ્રકૃતિ અને વૃક્ષોને પુનઃજીવન આપવાનું કાર્ય કરે છે. આ મૂર્તિઓ 3 ઈંચથી લઈને અઢી ફૂટ સુધીની વિવિધ સાઈઝમાં તૈયાર કરાઈ છે. સામાન્ય નાગરિકો પણ આ પર્યાવરણપૂરક અભિયાનમાં જોડાઈ શકે તે માટે તેની કિંમત પણ રૂ. 50થી શરૂ કરીને 1,800 રૂપિયા સુધીની વાજબી રાખવામાં આવી છે. ગણેશોત્સવના પવિત્ર પર્વે પૂજા-અર્ચના સાથે પ્રકૃતિનું જતન થાય તે પૃથ્વી પરના જીવોને કોઈ હાનિ ન પહોંચે તે માટે સુંદરમ્ ગૌ વિજ્ઞાન કેન્દ્રનો આ પ્રયોગ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.